(N/A) અવમંદિત દોલનો: જે દોલનોમાં દોલકનો કંપવિસ્તાર સમય સાથે ઘટતો જાય,તેવા દોલનોને અવમંદિત દોલનો કહે છે.
હવામાં દોલન કરતા સાદા લોલકની ગતિ અંતે અટકી જાય છે કારણ કે હવાનો અવરોધ અને આધાર પરનું ઘર્ષણ લોલકની ગતિનો વિરોધ કરે છે.
આ અવરોધક બળોને કારણે દોલિત તંત્રની યાંત્રિક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે,જેથી યાંત્રિક ઉર્જા ઘટે છે. સંબંધ $E = \frac{1}{2} k A^2$ મુજબ,કંપવિસ્તાર $A$ ક્રમશઃ ઘટે છે.
સ્પ્રિંગ દ્વારા સમજૂતી:
આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$m$ દળના બ્લોકને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડીને શિરોલંબ દિશામાં દોલન કરાવતા વિચારો. જો બ્લોકને નીચે ખેંચીને મુક્ત કરવામાં આવે,તો તે $\omega = \sqrt{\frac{k}{m}}$ કોણીય આવૃત્તિ સાથે શિરોલંબ સમતલમાં દોલન કરે છે.
વ્યવહારમાં,આસપાસનું માધ્યમ (દા.ત. હવા) બ્લોકની ગતિ પર અવમંદન બળ લગાડે છે,જેનાથી બ્લોક-સ્પ્રિંગ તંત્રની યાંત્રિક ઉર્જા ઘટે છે. આ ઉર્જાનો વ્યય આસપાસના માધ્યમ અને બ્લોકમાં ઉષ્મા સ્વરૂપે થાય છે. અવમંદન બળ માધ્યમના સ્વભાવ પર આધાર રાખે છે; જો બ્લોકને પ્રવાહીમાં ડુબાડવામાં આવે,તો અવમંદન ઘણું વધારે હોય છે અને ઉર્જાનો વ્યય ઝડપી થાય છે. અવમંદન બળ સામાન્ય રીતે બ્લોકના વેગના સમપ્રમાણમાં હોય છે.