(N/A) વૃષણમાં શુક્રકોષોનું ઉત્પાદન અત્યંત ગૂંચળાદાર રચનાઓમાં થાય છે જેને શુક્રઉત્પાદક નલિકાઓ કહે છે. આ નલિકાઓ વૃષણના ખંડિકાઓમાં આવેલી હોય છે.
દરેક શુક્રઉત્પાદક નલિકાની અંદરની બાજુએ બે પ્રકારના કોષો આવેલા હોય છે: નર જનન કોષો (આદિ શુક્રકોષો) અને સરટોલી કોષો.
નર જનન કોષો (આદિ શુક્રકોષો) અર્ધીકરણ વિભાજન પામીને અંતે શુક્રકોષોનું નિર્માણ કરે છે,જ્યારે સરટોલી કોષો જનન કોષોને પોષણ પૂરું પાડે છે.
શુક્રઉત્પાદક નલિકાઓની બહારના ભાગને આંતરાલીય અવકાશ કહે છે,જેમાં નાની રુધિરવાહિનીઓ અને આંતરાલીય કોષો અથવા લેડિગના કોષો આવેલા હોય છે.
લેડિગના કોષો એન્ડ્રોજન્સ (મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન) તરીકે ઓળખાતા વૃષણના અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ અને સ્ત્રાવ કરે છે.