(N/A) ઇથેનોલનું ઉત્પાદન : ઇથેનોલનું ઉત્પાદન નીચે મુજબ છે:
$(i)$ શર્કરાનું આથવણ : આ સૌથી જૂની પદ્ધતિ છે. મોલાસીસ,શેરડી અથવા દ્રાક્ષ જેવી શર્કરાનું ઉત્સેચક ઇન્વર્ટેઝની હાજરીમાં આથવણ કરતાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બને છે.
$C_{12}H_{22}O_{11} + H_{2}O \xrightarrow{\text{invertase}} C_{6}H_{12}O_{6} + C_{6}H_{12}O_{6}$
ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંનેનું અણુસૂત્ર સમાન $C_{6}H_{12}O_{6}$ છે પણ તેમનાં બંધારણો ભિન્ન છે. યીસ્ટમાંથી ઉત્સેચક ઝાયમેઝ મળે છે. ઝાયમેઝ વડે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આથવણ કરવાથી ઇથેનોલ બને છે.
$C_{6}H_{12}O_{6} \longrightarrow 2C_{2}H_{5}OH + 2CO_{2}$
$(ii)$ દ્રાક્ષમાંથી ઇથેનોલ : જ્યારે દ્રાક્ષ પાકી જાય ત્યારે તેમાં શર્કરાનો જથ્થો વધી જાય છે અને પાકી દ્રાક્ષની ઉપર યીસ્ટ ઉત્પન્ન થાય છે. દ્રાક્ષની શર્કરા અને યીસ્ટમાંનો ઝાયમેઝ એકબીજાના સંપર્કમાં આવતાં આથવણ ક્રિયા શરૂ થાય છે. આથવણ અજારક પરિસ્થિતિમાં (ઑક્સિજનની ગેરહાજરીમાં) થાય છે અને ઇથેનોલ ઉપરાંત કાર્બન-ડાયૉક્સાઈડ મુક્ત થાય છે.
ઉત્પન્ન થયેલા આલ્કોહોલની માત્રા $14\%$ કરતાં વધે ત્યારે ઝાયમેઝની ક્રિયા અવરોધાય છે. જો આથવણ મિશ્રણમાં હવા ભળે તો હવામાંના ઑક્સિજન વડે ઇથેનોલનું ઇથેનોઈક ઍસિડમાં ઑક્સિડેશન થાય છે અને તેથી આલ્કોહોલીય પીણાંનો સ્વાદ નષ્ટ થાય છે.
$(b)$ ભૌતિક ગુણધર્મો : ઇથેનોલ રંગવિહીન પ્રવાહી છે. તેનું ઉત્કલનબિંદુ $351\,K$ છે.
$(c)$ ઉપયોગો : તે રંગ ઉદ્યોગમાં દ્રાવક તરીકે અને અનેક કાર્બનિક સંયોજનો બનાવવા ઉપયોગી છે.
$(d)$ આલ્કોહોલનું વિકૃતિકરણ : ઔદ્યોગિક આલ્કોહોલમાં થોડો કૉપર સલ્ફેટ ઉમેરીને રંગીન બનાવાય છે અને તેમાં પિરિડીન ઉમેરી દુર્ગંધવાળો બનાવાય છે. આલ્કોહોલનું વિકૃતિકરણ કરવાથી તે પીવા માટે અયોગ્ય બને છે.