(N/A) વનસ્પતિની વૃદ્ધિ અજોડ છે કારણ કે વનસ્પતિ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન અમર્યાદિત વૃદ્ધિ કરવાની ક્ષમતા જાળવી રાખે છે.
વનસ્પતિની આ ક્ષમતા તેમના શરીરના ચોક્કસ સ્થાનો પર વર્ધનશીલ પેશીઓ (meristems) ની હાજરીને કારણે છે.
આવી વર્ધનશીલ પેશીઓના કોષો વિભાજન પામવાની અને સ્વ-સતત રહેવાની ક્ષમતા ધરાવે છે.
જોકે,તેનું ઉત્પાદન (નવા કોષો) ટૂંક સમયમાં વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે અને આવા કોષો વનસ્પતિ શરીર બનાવે છે.
વૃદ્ધિનું આ સ્વરૂપ,જેમાં વર્ધનશીલ પેશીની પ્રવૃત્તિ દ્વારા વનસ્પતિ શરીરમાં હંમેશા નવા કોષો ઉમેરવામાં આવે છે,તેને વૃદ્ધિનું મુક્ત સ્વરૂપ (open form of growth) કહેવામાં આવે છે.
મૂલાગ્ર વર્ધનશીલ પેશી (root apical meristem) અને પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશી (shoot apical meristem) વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ માટે જવાબદાર છે અને મુખ્યત્વે વનસ્પતિની ધરી સાથે તેની લંબાઈમાં વધારો કરવામાં ફાળો આપે છે.
દ્વિદળી વનસ્પતિઓ અને અનાવૃત બીજધારીઓમાં,પાર્શ્વસ્થ વર્ધનશીલ પેશીઓ (lateral meristems),વાહક એધા (vascular cambium) અને ત્વક્ષૈધા (cork cambium) જીવનમાં પાછળથી દેખાય છે.
આ એવી વર્ધનશીલ પેશીઓ છે જે તે અંગોના ઘેરાવામાં વધારો કરે છે જેમાં તેઓ સક્રિય હોય છે. આને વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ (secondary growth) તરીકે ઓળખવામાં આવે છે.