(N/A) આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં મૂકેલા $A$ ક્ષેત્રફળ ધરાવતા સમતલમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\Phi_{B} = \vec{B} \cdot \vec{A} = BA \cos \theta$ તરીકે લખી શકાય છે.
જ્યાં $\theta$ એ ચુંબકીય ક્ષેત્ર સદિશ $\vec{B}$ અને ક્ષેત્રફળ સદિશ $\vec{A}$ વચ્ચેનો ખૂણો છે. આ સમીકરણને વક્ર સપાટીઓ અને અસમાન ચુંબકીય ક્ષેત્રો માટે પણ લાગુ પાડી શકાય છે.
જો કોઈ સપાટીના વિવિધ ભાગો પર ચુંબકીય ક્ષેત્રના મૂલ્યો અને દિશાઓ અલગ-અલગ હોય,તો સપાટીમાંથી પસાર થતું કુલ ચુંબકીય ફ્લક્સ નાના ક્ષેત્રફળના ખંડો $d\vec{A}_i$ માંથી પસાર થતા ફ્લક્સના સરવાળા દ્વારા આપવામાં આવે છે:
$\Phi_{B} = \sum_{i} \vec{B}_{i} \cdot d \vec{A}_{i}$
જ્યારે ક્ષેત્રફળના ખંડો અત્યંત સૂક્ષ્મ હોય,ત્યારે આ સરવાળો સંકલનમાં ફેરવાય છે:
$\Phi_{B} = \int_{S} \vec{B} \cdot d\vec{A}$
ચુંબકીય ફ્લક્સ એ અદિશ રાશિ છે. તેનો $SI$ એકમ વેબર $(Wb)$ છે,જે ટેસ્લા મીટર સ્ક્વેર $(T \cdot m^2)$ અથવા વોલ્ટ-સેકન્ડ $(V \cdot s)$ ને સમાન છે. તેનું પારિમાણિક સૂત્ર $[M^1 L^2 T^{-2} A^{-1}]$ છે.
$1 \ Wb$ ની વ્યાખ્યા: જો $1 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી સપાટીને લંબરૂપે $1 \ T$ નું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે,તો સપાટી સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ $1 \ Wb$ કહેવાય છે. આમ,$1 \ Wb = 1 \ T \cdot m^2$.