(N/A) ચાલો સાબુના દ્રાવણનું ઉદાહરણ લઈએ. સાબુ એ ઉચ્ચ ફેટી એસિડનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે અને તેને $RCOO^{-} Na^{+}$ તરીકે દર્શાવી શકાય છે (દા.ત. સોડિયમ સ્ટેઅરેટ $CH_{3}(CH_{2})_{16}COO^{-} Na^{+}$,જે ઘણા સાબુનો મુખ્ય ઘટક છે).
જ્યારે તેને પાણીમાં ઓગાળવામાં આવે છે,ત્યારે તે $RCOO^{-}$ અને $Na^{+}$ આયનોમાં વિયોજિત થાય છે. $RCOO^{-}$ આયનો બે ભાગ ધરાવે છે:
$1$. લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા $R$ (જેને અધ્રુવીય 'પૂંછડી' પણ કહેવાય છે) જે હાઇડ્રોફોબિક (પાણી પ્રતિકર્ષી) છે.
$2$. ધ્રુવીય સમૂહ $COO^{-}$ (જેને ધ્રુવીય આયનીય 'શીર્ષ' પણ કહેવાય છે) જે હાઇડ્રોફિલિક (પાણી આકર્ષી) છે.
આ આયનો પાણીની સપાટી પર એકઠા થાય છે,જેમાં તેમની હાઇડ્રોફોબિક પૂંછડીઓ પાણીથી દૂર રહે છે અને હાઇડ્રોફિલિક શીર્ષ પાણી તરફ રહે છે. વધુ સાંદ્રતાએ,આ આયનો દ્રાવણના જથ્થામાં ખેંચાય છે અને ગોળાકાર આકારમાં એકઠા થાય છે,જેમાં તેમની હાઇડ્રોફોબિક પૂંછડીઓ કેન્દ્ર તરફ અને હાઇડ્રોફિલિક શીર્ષ ગોળાની સપાટી પર હોય છે. આ એકત્રિત રચનાને મિસેલ કહેવામાં આવે છે.