(N/A) આવર્તકોષ્ટકના સમૂહ $16$ માં ઑક્સિજન $(O)$,સલ્ફર $(S)$,સેલેનિયમ $(Se)$,ટેલુરિયમ $(Te)$,પોલોનિયમ $(Po)$ અને લિવરમોનિયમ $(Lv)$ તત્ત્વોનો સમાવેશ થાય છે.
આ તત્ત્વોને સામૂહિક રીતે ચાલ્કોજન તરીકે ઓળખવામાં આવે છે. આ નામ પિત્તળ માટેના ગ્રીક શબ્દ પરથી ઉતરી આવ્યું છે.
ઑક્સિજન પૃથ્વી પર સૌથી વધુ પ્રચૂરતા ધરાવતું તત્વ છે,જે પૃથ્વીના પોપડાના દળના લગભગ $46.6 \%$ જેટલું છે. શુષ્ક હવામાં કદથી $20.946 \%$ ઑક્સિજન હોય છે.
સલ્ફર પૃથ્વીના પોપડામાં $0.03-0.1 \%$ ની પ્રચૂરતામાં જોવા મળે છે. તે સંયોજિત સ્વરૂપમાં સલ્ફેટ તરીકે જેવા કે જિપ્સમ $(CaSO_4 \cdot 2H_2O)$,ઈપ્સમ સોલ્ટ $(MgSO_4 \cdot 7H_2O)$,બેરાઈટ $(BaSO_4)$ અને સલ્ફાઈડ તરીકે જેવા કે ગેલિના $(PbS)$,ઝિંક બ્લેન્ડ $(ZnS)$ અને કૉપર પાઈરાઈટ્સ $(CuFeS_2)$ માં જોવા મળે છે.
જ્વાળામુખીમાં સલ્ફરની અલ્પ માત્રા હાઈડ્રોજન સલ્ફાઈડ $(H_2S)$ સ્વરૂપે હોય છે. કાર્બનિક પદાર્થો જેવા કે ઈંડા,પ્રોટીન,લસણ,ડુંગળી,રાઈ,વાળ અને ઊન પણ સલ્ફર ધરાવે છે.
સેલેનિયમ અને ટેલુરિયમ સલ્ફાઈડ ખનીજોમાં ધાતુ સેલેનાઈડ અને ટેલુરાઈડ તરીકે મળી આવે છે.
પોલોનિયમ એ થોરિયમ અને યુરેનિયમ ખનીજોની ક્ષયિત નીપજ છે.
લિવરમોનિયમ એક સાંશ્લેષિત રેડિયોસક્રિય તત્ત્વ છે,જેની સંજ્ઞા $Lv$,પરમાણ્વીય ક્રમાંક $116$,પરમાણ્વીય દળ $292$ અને ઈલેક્ટ્રોનીય રચના $[Rn] 5f^{14} 6d^{10} 7s^2 7p^4$ છે. તેનું અર્ધઆયુષ્ય ખૂબ જ ટૂંકું છે.